જે સાડી પર ચિત્રો દોરી મમ્મીને ભેટ કરી, એ જ કફન તરીકે ઓઢી વિદાય લીધી

પેલો તક્ષશિલાની આગવાળો વીડિયો જો તમે જોયો હોય તો તમે મને જોઈ હશે! પીળું ટી-શર્ટ અને કાળું જીન્સ પહેરેલી છોકરી ગડથોલિયું ખાતી નીચે પડે છે, એ હું ક્રિષ્ના ભીકડિયા! હું ક્લાસિસમાં તો જીન્સ અને ટી-શર્ટ પહેરીને ગઈ હતી પણ મને તો આપણાં સાડી ને ડ્રેસ જ વધારે ગમે. કમ સે કમ એમાં વર્ક તો થાય! મમ્મી માટે એક સાડી ડિઝાઇન કરીને ગિફ્ટ આપી’તી. મને ઘરેથી લઈ ગયા ત્યારે એ જ સાડી ઓઢાડી! હા, એ સાડી મેં મમ્મીને ગિફ્ટ કરી હતી.

ગઈ દિવાળીએ મારે મમ્મીને એક ગિફ્ટ આપવી હતી પણ કંઈ સૂઝતું નહોતું. બહુ વિચાર્યું, બહુ ઑપ્શન્સ જોયા. પછી સાડી ડિઝાઇન કરવાનો વિચાર આવ્યો. સાડી પર આખું કુદરતી દૃશ્ય તૈયાર કર્યું’તું. વાદળો, પહાડ, નદીઓ બધું જ દોર્યું’તું! સાડી તો મસ્ત લાગતી જ હતી, થયું, એ પહેરશે ત્યારે મમ્મી પણ કેવી સુંદર લાગશે! એ સાડી દિવાળી પહેલાં જ મમ્મીને ગિફ્ટ કરી દીધી. મમ્મીને સાડી બહુ જ ગમી. મેં બનાવેલી હતી એટલે વધારે ગમી. દિવાળીના દિવસે મમ્મીએ આખો દિવસ એ સાડી ઠઠાડી રાખી, બોલો! પાછી, જે મળે એ બધાને કહેતી, ‘મારી કિશુએ જાત્તે સાડી બનાવી, મારી માટે…’ કેવી ફૂલાતી હતી, મને આજેય યાદ છે!

મમ્મીની સાચવણી બહુ સારી એટલે એણે સાડી પૅક કરીને કબાટમાં મૂકી દીધી હતી. એ દિવસે આગ ચારે કોરથી ફૂંફાડા મારતી હતી. લાકડાનો દાદર બળી ગયો હતો. બહાર નીકળવાનો રસ્તો જ નહોતો. લગભગ સવા ચાર વાગે મેં મારા પિતરાઈ ભાઈ ચેતનને ફોન કર્યો, ‘ભાઈ, અહીંયાં આગ લાગી છે. લાકડાનો દાદર બળી ગયો છે. બહાર નીકળી શકાય એમ નથી. મારું જે થવાનું હોય તે થાય પણ અહીંયાં 20 લોકો ફસાયા છે, એમને બચાવી લો.’ મેં ભાઈને કહ્યું, ‘ફાયરને કૉલ કરો. રૂમનો દરવાજો પણ બંધ છે, અમે કેમ નીકળીએ!?’

હું બારીમાંથી જોતી હતી, તક્ષશિલાની સામે જ મારા ભાઈની ઑફિસ છે. એ બે જ મિનિટમાં બિલ્ડિંગ નીચે આવી ગયો. એણે મને ફોન કર્યો અને કહ્યું, ‘કિશુ! બહુ કાળા ધુમાડા નીકળી રહ્યા છે. બહુ બધા લોકો છે. તને કેવી રીતે ઓળખું, તેં શું પહેર્યું છે એ તો કહે!’ મેં કહ્યું, ‘ભાઈ, મેં પીળું ટી-શર્ટ અને કાળું જીન્સ પહેર્યું છે. અંદર બહુ જ ધુમાડો છે, શ્વાસ પણ લેવાતો નથી.’ ભાઈએ કહ્યું, ‘બારી પાસે આવી જા. હું બારી પાસે આવી ગઈ. બધા જ બુમાબુમ કરી રહ્યા હતા.

ચેતને મને કહ્યું, ‘કૂદતી નહીં, સીડી આવે છે, તને બચાવી લઈશું.’ હું અટકી ગઈ. સીડી આવી. મને થયું, હાશ! હવે તો બચી જવાશે પણ ફાયર બ્રિગેડ પાસે ચોથા માળ સુધી પહોંચે એટલી લાંબી સીડી જ નહોતી! બીજા માળ સુધી આવીને સીડી અટકી ગઈ! મોત અને જિંદગી વચ્ચે બે માળનું છેટું પડી ગયું! મને થયું, હું બારીમાંથી ઊતરી અને સાચવીને ત્રીજા ફ્લોર સુધી આવી જઈશ. મેં નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો અને મારો હાથ છટકી ગયો.

નીચે ચેતને અને બીજા લોકોએ મને ઝીલવાનો પ્રયાસ કર્યો. મારી જિંદગી માટેનો એ અંતિમ પ્રયાસ હતો, પણ સફળ ન થયો! મમ્મી ને પપ્પા બહુ રડ્યાં! આંખમાંથી આંસુ સૂકાતાં નહોતાં. મમ્મી-પપ્પાને તો મને સાસરે વળાવવાના કોડ હતા પણ મને આ રીતે વળાવવી પડી! મને સોળ શણગારે સજાવી! સરસ તૈયાર કરી! સાસરે મોકલતાં હોય એમ જ! મને એમ જ હતું કે મેં બનાવી છે એટલે યાદગીરી તરીકે સાડી રાખી મૂકશે પણ એવું ન થયું. મારી યાદગીરી મારી સાથે જ ભડભડ સળગી ગઈ! મમ્મી, મને ખબર છે, તું એ સાડી કેવી રીતે સાચવી શકે!

નવી BPL યાદી 2019 ગુજરાત સરકાર ની જાહેરાત અહીં કિલક કરો

હવે 1 કલાકમાં મળશે ડ્રાઇવિંગ લાયસન્સ, નહીં જોવી પડે રાહ વધુ જાણવા માટે અહિ કિલક કરો

ધોરણ ૧૦ અને ૧૨ પછી શું ? વધુ જાણવા માટે અહિ કિલક કરો