ગુજરાતમાં ભાજપ 19 બેઠક પર સુરક્ષિત, અસલી ચૂંટણી 7 બેઠક પર

  • ઉત્તર-દક્ષિણ, મધ્યમાં ભાજપનું પુનરાગમન, કોંગ્રેસ સૌરાષ્ટ્રના સહારે
  • શહેરોમાં મતદાન વધશે તો ભાજપને ફાયદો, ગામડાંમાં કોંગ્રેસને
  • 2014માં ભાજપ 16 બેઠક પર બેથી પાંચ લાખના અંતરથી જીત્યો હતો, આ સિવાયની 7 બેઠકો પર જ ફેંસલો

ગુજરાતમાં આજે ચૂંટણી છે. નેતાઓએ જે કહેવાનું હતું, બોલવાનું હતું, સમજાવવાનું હતું – એ બધું તેઓ કરી ચૂક્યા છે. હવે પ્રજા કહેશે કે, તેમણે કોને કેટલા સાંભળ્યા અને કોના પર તેમને વિશ્વાસ બેઠો. બધા જ સર્વેક્ષણો અને દાવા પછીયે ભાજપ ગુજરાત અંગે ચિંતિત નથી. ગુજરાતમાં ભાજપની મજબૂત સ્થિતિનો અંદાજ 2014ના પરિણામો પરથી લગાવી શકાય છે. ત્યારે સુરત, વડોદરા અને નવસારી બેઠકો ભાજપે આશરે પાંચ લાખ મતથી જીતી હતી, જ્યારે ગાંધીનગર બેઠક પર જીતનું અંતર ચાર લાખ મતનું હતું.

એવી જ રીતે, બે બેઠક પર જીતનું માર્જિન ત્રણ લાખ અને દસ બેઠક પર બે લાખથી વધુ મતનું અંતર રહ્યું હતું. આ ઉપરાંત સાત બેઠક એવી હતી, જ્યાં આશરે એક લાખ મતનું અંતર હતું. આ દૃષ્ટિએ ભાજપની 19 બેઠક સુરક્ષિત જણાઈ રહી છે. અસલી ચૂંટણી તો એ સાત બેઠક પર થશે, જ્યાં મામૂલી અંતરથી હાર-જીતનો ફેંસલો થશે.બીજી તરફ, 2017ની વિધાનસભા ચૂંટણીની સરખામણી કરીએ તો 26માંથી સાત બેઠક એવી હતી, જ્યાં કોંગ્રેસને ભાજપ કરતા 14 હજારથી 1.68 લાખ મત વધુ મળ્યા હતા.

આ બેઠકો હતી- બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી. કોંગ્રેસ સૌથી વધુ જીતની શક્યતા પણ આ જ બેઠકો પર જોઈ રહી છે. આ વાતનો ભાજપને પણ અંદાજ હતો. ભાજપને ખબર હતી કે, મોદી જ એ પરિબળ છે, જે દરેક એન્ટિ ઈન્કમબન્સી અને બળવાને શાંત કરી શકે છે. આ જ કારણસર મોદીએ ગુજરાતમાં જે સાત રેલી કરી, તેમાંથી ચાર રેલી આ જ બેઠકો પર કરાઈ હતી. પરિણામે, થોડા દિવસ પહેલાં આ બેઠકો પર જે એકતરફી માહોલ દેખાઈ રહ્યો હતો, ત્યાં ભાજપે ફક્ત પુનરાગમન નથી કર્યું, પરંતુ ત્યાં તે લીડ હાંસલ કરે એવું પણ જણાઈ રહ્યું છે.

ભાજપ ગુજરાતમાં મોદી વિરુદ્ધ ગુજરાત વિરોધી-દેશ વિરોધી વાતાવરણ ઊભું કરવામાં સફળ રહ્યો છે. આ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાત પ્રત્યે ઉદાસીન દેખાયા છે. 2014માં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ મોદી લહેર છતાં ગુજરાતમાં 11 રેલી કરી હતી, જ્યારે આ વખતે ગુજરાતમાં ફક્ત રાહુલ ગાંધી આવ્યા અને તેમણે પાંચ જ રેલી કરી. અહીં કોંગ્રેસના પ્રચારની સંપૂર્ણ જવાબદારી હાર્દિક પટેલ, અહેમદ પટેલ અને સ્થાનિક નેતાઓ પર છોડી દેવાઈ હતી. એટલું જ નહીં, પ્રિયંકા ગાંધીને પણ ગુજરાતથી દૂર રખાયા છે.

મતદાન વ્યૂહ

ગુજરાતમાં હવામાન વિભાગે મતદાનના દિવસે હીટ વેવની આશંકા વ્યક્ત કરી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેનો પ્રયાસ છે કે, શરૂઆતના ચાર કલાકમાં મહત્તમ મતદાન થાય. ભાજપ શહેરોમાં વધારે અને ગામડાંમાં ઓછા મતદાનનો ફાયદો જોઈ રહ્યો છે, જ્યારે તેનાથી વિપરિત કોંગ્રેસનો પ્રયાસ ગામડાંમાં વધુ મતદાન કરાવવાનો છે. ગુજરાતમાં 43% મતદારો શહેરોમાં અને 57% ગામડાંમાં છે. 2014માં 60% મતદાન થયું હતું. જોકે, તે એક લહેર હતી, પરંતુ 2009માં 47.9% મતદાન થયું હતું અને તેમાં ગ્રામીણ વિસ્તારોની ભૂમિકા મોટી હતી. ત્યારે ભાજપને 15 અને કોંગ્રેસને 11 બેઠક મળી હતી.

છેલ્લા દિવસનો માહોલ

મધ્ય ગુજરાત (નવ બેઠક)

ભાજપ ફક્ત આણંદમાં નર્વસ છે. અમદાવાદની પૂર્વ-પશ્ચિમ બેઠક પર જીતનું અંતર ઓછું થઈ શકે છે. ગાંધીનગરમાં અંતર વધી શકે છે. હાર્દિકને પડેલી ઝાપટ લોકોને પ્લાન્ટ લાગે છે. ભરૂચમાં ત્રિકોણીય લડાઈનો ફાયદો ભાજપને છે. કોંગ્રેસમાંથી મુસ્લિમ ઉમેદવાર હોવાના કારણે ધ્રુવીકરણ થશે.

ઉત્તર ગુજરાત (પાંચ બેઠક)

ભાજપ પાટણમાં નબળો છે, પરંતુ મોદીની રેલીની અસર દેખાય છે. અલ્પેશ ઠાકોરના રાજીનામાએ કોંગ્રેસને ઢીલી કરી દીધી છે. મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં માર્જિનની રમત છે. બેઠકો કોઈ પણ તરફ ઝૂકી શકે છે. બનાસકાંઠામાં ડેરીવાળાનું ભાજપને મત નહીં આપવાનું ફરમાન અસર કરશે.

દક્ષિણ ગુજરાત (પાંચ બેઠક)

સુરત, નવસારી, વલસાડમાં ભાજપ મજબૂત છે. સુરતમાં દર્શના જરદોશ વિરુદ્ધ નારાજગી છે, પરંતુ મોદીના કારણે ફાયદો છે. વલસાડમાં કોંગ્રેસે જોર લગાવ્યું છે, પરંતુ તે મતમાં કેટલું પરિવર્તિત થાય છે એ પરિણામો આવશે ત્યારે ખબર પડશે. જીએસટી, નોટબંધીનો મુદ્દો ગાયબ છે. રાષ્ટ્રવાદની ચર્ચા છે.

સૌરાષ્ટ્ર-કચ્છ (સાત બેઠક)

અમરેલીથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીની પટેલ સ્ટેચ્યૂ પર ટિપ્પણીને મોદીએ મુદ્દો બનાવ્યો છે. તેની અસર થઈ શકે છે. રાજકોટ, જામનગર, કચ્છ અને ભાવનગર બેઠક ભાજપ નીકાળશે. પોરબંદરમાં ગળાકાપ હરીફાઈ છે. જૂનાગઢના હાલ પણ અમરેલી જેવા છે. અહીં મામૂલી અંતરથી ફેંસલો થશે.