કોંગ્રેસને ગુજરાતમાં મળશે માત્ર એક જ બેઠક : Exit Poll

લોકસભાની ચૂંટણી પુરુ થઇ ગઇ છે અને હવે મતગણતરી મે 23નાં રોજ યોજાશે અને ત્યારે સ્પષ્ટ થશે કે કયા પક્ષને કેટલી બેઠકો મળશે પણ ચૂંટણી પરિણામો પહેલા પરિણામોનું અનુમાન આપવા માટે ન્યૂઝ18 દ્વારા IPSOS સાથે મળીને એક્ઝિટ પોલ કર્યો છે.

આ એક્ઝિટ પોલનાં અનુમાન મુજબ, ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર એક જ લોકસભા બેઠક મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

આ એક્ઝિટ પોલ પ્રમાણે, કોંગ્રેસને બહુ વધુ ફાયદો થશે નહીં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વતન ગુજરાતમાં ભાજપનો દબદબો બન્યો રહેશે.

ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની તમામ 26 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ગુજરાતી વડાપ્રધાનને ફરી વખત ચૂંટવા માટે અપીલ કરી હતી.

ન્યૂઝ18 દ્વારા IPSOS સાથે મળી એક્ઝિટ પોલ હાથ ધર્યો હતો. દેશનો આ સૌથી મોટો એક્ઝિટ પોલ હશે. આ સર્વેમાં દેશના લગભગ તમામ રાજ્યના મતદારોના મનની વાતને જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આજે, એટલે કે 19મૅ ના રોજ 8 રાજ્યોની 59 બેઠકો ઉપર સાંજે પાંચ વાગે મતદાન પૂર્ણ થતાની સાથે જ લોકસભાની તમામ 542 બેઠકોનુ ભવિષ્ય EVMમાં સીલ થઇ ગયું છે.

એક્ઝિટ પોલ માટે આંકડાઓ એકત્રિત કરવા માટે ‘સર્વેક્ષણ’ પધ્ધતિ અંતર્ગત સૌથી મોટું સેમ્પલ લેવામાં આવ્યું છે. આ સાથે પ્રત્યેક વર્ગ, તમામ ભાષા અને ઉંમરના મતદારો સાથે વાતચીત પણ કરવામાં આવી છે. સર્વેક્ષણની પધ્ધતિમાં એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોઈપણ એક પ્રકારની ધારણાઓ અનુમાનને ખોટા ઠેરાવવાનું કામ ન કરે. આ કારણે જ વધુમાં વધુ બેઠકો ઉપર વધુમાં વધુ મતદાતાઓ સાથે સીધી જ વાત કરવામાં આવી છે

આ સર્વેક્ષણમાં 542 બેઠકો પૈકી 199 બેઠકોની પસંદગી કરવામાં આવી છે. દેશના 28 રાજ્યોમાંથી 199 સંસદીય ક્ષેત્રોની 796 વિધાનસભા બેઠકોનું સેમ્પલ લેવામાં આવ્યું છે. જ્યાં 4776 પોલિંગ સ્ટેશનોમાં પ્રત્યેક બુથ ઉપરથી 25 મતદારોને યદચ્છ ઢબે પસંદ કરવામાં આવ્યા છે.

આ દરમિયાન અલગ-અલગ પોલિંગ બુથ ઉપર આવેલા મતદારોને સવાલો પૂછવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા અંતર્ગત 199 બેઠકો ઉપર 1,41,542 મતદારોના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા। સંસદીય બેઠકોની પસંદગી કરતી વેળા એ બેઠકોને જ પસંદ કરવામાં આવી છે કે જ્યાં એક રાજકીય પક્ષ પાછલી બે-ત્રણ ચૂંટણી જીતતો આવ્યો છે અને જ્યાં જીતનું અંતર ઓછું હોય. આ સાથે એવી બેઠકોને જ પસંદ કરવામાં આવી છે જ્યાં પ્રત્યેક ચૂંટણીમાં પરિણામો અલગ આવ્યા હોય અને કેટલાક દિગ્ગજ નેતાઓએ તેમની કિસ્મત અજમાવી હોય.

આ સાથે પ્રત્યેક સંસદીય ક્ષેત્રની 4-6 વિધાનસભા ક્ષેત્રોને પસંદ કરવામાં આવ્યા હતા અને આ વિધાનસભા વિસ્તારના 6 પોલિંગ સ્ટેશનોને પસંદ કરવામાં આવ્યા હતા. અહીં સિસ્ટેમેટિક રેન્ડમ સેમ્પલિંગ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાનમથકની બહાર આવતા પ્રત્યેક ત્રીજા વોટરને સવાલ પૂછવામાં આવ્યા હતા.

આ સર્વેક્ષણમાં 6 તબક્કાના મતદાનને આધારે કરવામાં આવ્યું. વળી, સાતમા ચરણમાં થયેલા મતદાનને પણ આ સર્વેક્ષમાં આવરી લેવામાં આવ્યું છે. જેથી એક મોટા ચિત્ર સાથે, મોટા સેમ્પલ સાથે વધુ ચોક્સાઈપૂર્વકનું અનુમાન લગાવી શકાય.

અન્ય એક્ઝિટ પોલનાં ગુજરાત ચૂંટણી પરિણામો વિશે શું કહે છે ?

ન્યૂઝ24-ચાણક્યનાં એક્ઝિટ પોલનાં આંકડાઓ મુજબ, ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો જીતશે.

ઇન્ડિયા ટૂડે-એક્સિસનાં એક્ઝિટ પોલ પ્રમાણે, ગુજરાતમાં કોંગ્રેસને એક બેઠક મળશે.