કેરળમાં ભારે વરસાદ,અરબી સમુદ્રમાં ‘વાયુ’ વાવાઝોડું મજબૂત બન્યું.

કેરળ અને કર્ણાટકમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઇમાં પણ વરસાદ શરૂ થયો છે. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું બેસી ગયું છે. ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં વાવાઝોડું વાયું આકાર લઇ રહ્યું છે જે કેટલાક રાજ્યોનાં કાંઠા વિસ્તારમાં સારો એવો વરસાદ લાવે તેવી શક્યતા છે.હવામાનના સમાચાર આપતી ખાનગી સંસ્થા સ્કાયમટનાં જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે અને આ વાવાઝોડાનાં વાયુ એવું નામ આપવામાં આવ્યું છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલી આ સિસ્ટમનાં કારણે કેરળ અને કર્ણાટકામાં મધ્યમથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ, મુંબઇમાં વરસાદ શરૂ થઇ ગયો છે. બીએમસીએ સાવધાની રાખવાનું પણ કહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આખા સપ્તાહ સુધી મૂશળધાર વરસાદ પડશે.

હવામાનખાતાએ આગાહી કરી હતી કે આગામી ત્રણ દિવસમાં મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.આગાહીને પગલે મહારાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાએ 7થી 11 જૂન સુધી મુંબઇ સહિત મહારાષ્ટ્રના છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

મુંબઇ કોર્પોરેશને પોતાના તમામ અધિકારીઓ માટે એક સૂચના જાહેર કરી આદેશ કર્યો હતો કે સપ્તાહના અંતના દિવસોમાં પર તેઓ ફરજ પર હાજર રહે, આફતના સમયમાં ટીમને પણ શહેરના પરેલ, માનખુર્દ અને અંધેરી જેવા વિસ્તારો પર તૈનાત રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. નેવીના અધિકારીઓને પર કોલાબા, વર્લી, ઘાટકોપર, ટ્રાંબે, મલાડ જેવા પૂરના ભયજનક વિસ્તારોમાં તૈનાત રહેવાની સૂચના આપવામાં આવી હતી.