લોકસભાની ચૂંટણીના અંતિમ પરિણામ માટે શુક્રવારે વહેલી સવાર સુધી રાહ જોવી પડશે

લોકસભા ચૂંટણી ૨૦૧૯ની મતગણતરી માટે હવે માત્ર અમુક કલાક બાકી છે અને બધાની ઉત્સુક્તા ટોપે પહોંચી છે ત્યારે આ મતગણતરી સમયે વીવીપેટ સ્લીપની ગણતરી પણ કરવાની હોવાથી અંતિમ પરિણામ માટે ગુરુવાર મધરાત બાદ એટલે શુક્રવાર સવારના બે વાગ્યા સુધી રાહ જોવી પડશે, એવું ચૂંટણી આયોગના સૂત્રો તરફથી જાણવા મળે છે.

 

વિશ્વના સૌથી મોટા લોકતંત્રનો હાર જીતનો ફેંસલો ૨૩મે ૨૦૧૯ ગુરઉવારે થશે. ભારતની લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી ૫૪૨ બેઠકો માટેની મતગણતરી ગુરુવાર, ૨૩મે ૨૦૧૯ના દિવસે સવારે ૮ વાગે શરૂ થશે. લગભગ અડધો એક કલાકમાં દિલ્હીની સત્તા કોના હાથમાં આવશે એનો અંદાજ સામે આવી જશે.

કઇ પાર્ટી બહુમતી મેળવશે, સરકાર કઇ પાર્ટી બનાવશે  એની સ્પષ્ટતા થશે પણ આ વરસની ચૂંટણીમાં તમામ ૫૬ વિપક્ષી દળોના મહાગઠબંધનના આગ્રહ ખાતર મતગણતરી સાથે સાથે ઇવીએમને સંકળાયેલા વીવીપેટ મશીનની સ્લીપની પણ ગણતરી કરવામાં આવવાની છે અને આ વીવીપેટ સ્લોપની ગણતરી કરવા માટે ચૂંટણીપંચ તરફથી વધારાના અધિકારી/ કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. બધા કર્મચારીઓની ડયુટી પણ લગાવી દેવામાં આવી છે અને એમને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.

મતગણતરી માટે પ્રશાસન તરફથી સંપૂર્ણ યંત્રણાની તૈયારી કરાવી લેવામાં આવી છે. ચૂંટણી નિર્ણય અધિકારીઓ, ઉમેદવારો, પોલિંગ એજન્ટ/ ઇલેક્શન એજન્ટ, ગણતરી એજન્ટ હાજર રહેવાના છે અને મતગણતરીની વીડિયો ગ્રાફી પણ કરવામાં આવવાની છે.

દરેક વિધાનસભા મતવિસ્તારમાંથી એક એ  મુજબ પાંચ મશીનમાની સ્લીપની ગણતરી છેલ્લે કરવામાં આવશે. વીવીપેટ સ્લીપની ગણતરી માટે વધારાના પાંચ કલાક લાગવાના હોવાથી અંતિમ પરિણામ આવવા માટે સવારના બે વાગશે, એવી જાણકારી સોલાપુરના કલેક્ટર ડો. રાજેન્દ્ર ભોસલેએ આપી.

દમિયાન, ટેકનિકલ કારણ લીધે જો વિલંબ થશે અથવા કોઇએ વાંધો ઉઠાવ્યો તો મતદાન યંત્ર (ઇવીએમ) ચૂંટણી અધિકારી પાસે સુપરત કરવામાં આવશે અને મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદથી એના ઉપર નિર્ણય લેવામાં આવશે.

મતગણતરીમાં શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. પોસ્ટલ બેલેટની ખાતરી ઇટીપીસીએસ પદ્ધતિથી કરવામાં આવશે. મુખ્ય કવર, મત પત્રિકાનું કવર એના ઉપરનો બારકોડ સ્કેન કરીને મતપત્રિકાની ખાતરી થયા પછી જ એ મતગણતરી માટેપાત્ર રહેશે. ત્યાર પછી અડધા કલાકબાદ ઇવીએમની ગણતરી થશે. એક સમયે વધુમાં વધુ ૧૪ ઇવીએમની ગણતરી થશે.