મોત અગાઉ પિતાને ફોન કરી કહેલું કે દરવાજો ખુલતો નથી,જ્યારે મિત એકનો એક જ દીકરો હતો

સરથાણા જકાતનાકા ખાતે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગમાં 23 જીવ હોમાયા હતાં. મૃતકોમાં કોઈએ દીકરી તો કોઈએ બહેન તો કોઈએ ભાઈ ગુમાવ્યો હતો. પરંતુ નાના વરાછા ખાતે રહેતા દિલીપ પટેલે 17 વર્ષનો એકનો એક જુવાનજોધ દીકરો ગુમાવ્યો હતો. દીકરના મોતથી માતા-પિતાનું આક્રંદ ભલભલાના કાળજાને હચમચાવી મુકે તેવું હતું.

નાના વરાછાની હરેકૃષ્ણ સોસાયટીના ઘર નંબર 18માં રહેતા દિલીપભાઈ પટેલ કાપડની દુકાન ચલાવે છે. મૂળતો જામનગર જિલ્લાના ભલસાણ ગામના વતની છે. તેમનો દીકરો મિત ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. પરિવારમાં એકનો એક જ દીકરો હતો. સિવિલ ઈજનેર બનવાની મિતની ઈચ્છા હતી. પરંતુ ક્લાસીસની આગમાં ગૂંગળાઈને તેનો મૃતદેહ ઘરે આવતાં માતા પિતા સહિત હાજર સૌ કોઈએ કાળો કલ્પાંત કરી મુક્યો હતો.

મિતે આગ લાગ્યા બાદ પિતા દિલીપ પટેલને ફોન કર્યો હતો. જેમાં તેણે કહેલું કે પપ્પા ક્લાસરૂમનો દરવાજો બંધ છે ખુલે એમ નથી. છેલ્લે બે વાર પિતા દિલીપભાઈ સાથે મિતે વાત કરી હતી. બાદમાં ગૂંગળામણમાં તેનો અવાજ નીકળ્યો નહોતો. ધૂમાડો તેના શરીરે ચોંટી ગયો હતો.

આ ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ વિદ્યાર્થીઓના પરિવારને રૂપિયા 4 લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે સ્થાનિક તંત્ર પાસે ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા આદેશ આપાવમાં આવ્યો છે. અને ત્રણ દિવસમાં તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાના આદેશ અપાયા છે. આ સમગ્ર મામલે ફોરેન્સિક સાયન્સ લેબે તપાસ શરૂ કરી છે તો સાથે સાથે મૃતકોના ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે.