લોકસભા સર્વેનું રિઝલ્ટ ચોંકાવનારું…ગુજરાતમાં મોટાપાયે રાજકીય ઊથલપાથલ થશે, રૂપાણીની ખુરશી પણ મુકાશે જોખમમાં

લોકસભા ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાઇ રહ્યો છે  ત્યારે ગુજરાતમાં વિવિધ સરકારી એજન્સીઓના સર્વેક્ષણના આવેલા પરિણામો ભાજપ સરકાર માટે ચિંતાનો વિષય છે. એક પણ સર્વે એજન્સી ગુજરાતમાં ભાજપને 21 થી વધુ  બેઠક મળે તેવું જોતી નથી. જો આ સર્વે સાચાં પડે તો રાજ્યમાં વર્તમાન રૂપાણી સરકાર સામે પ્રશ્નાર્થ ઊભા થાય અને મોટી ઊથલપાથલના એંધાણ છે.

મોદી સરકારે પોતાના અધિકારીઓ પાસેથી મેળવેલા તારણોનું પરિણામ  પણ એવું જ છે કે ગુજરાતમાં ભાજપને 18થી 20 બેઠકો મળે તેમ છે. રાજ્યનું ગુપ્તચર ખાતું પણ ગુજરાતમાં ભાજપ છ બેઠકો ગુમાવે તેઓ અંદાજ આંકી રહી વહે. કેન્દ્રીય ગુપ્તચર વિભાગ પણ ભાજપ એકવીસ બેઠકોમાં સમેટાઇ જાય તેવું ભવિષ્ય ભાખે છે. જો આ પરિણામો આવે તો તે ભાજપની સિનિયર નેતાગીરીને સહેજેય પસંદ ન આવે કારણ કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું હોમ સ્ટેટ છે.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મોટાપાયે બેઠકો ગુમાવી પડી હતી. ત્યારે પાટીદાર અનામત આંદોલને મહત્વનો ભાગ ભજવ્યો હતો.જો કે આ વખતે ચૂંટણીમાં મૂળ મુદ્દા તરીકે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન સામે લીધેલાં કડક પગલાંને કારણે મતદાતાઓ ભાજપ તરફી વલણ અપનાવે તે વાત પણ સર્વેમાં ઉલ્લેખાઇ છે. જો ભાજપ ગુજરાતમાં બેઠકો ગુમાવે તો ગુજરાત ભાજપના સંગઠનમાં ભારે બદલાવ આવી શકે છે. કદાચ એવું પણ બની શકે છે કે ગુજરાત રાજ્યમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવામાં નિષ્ફળ નીવડેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામુ આપવું પડે અને ગુજરાતના મુખ્યમંત્રી બદલાઈ જાય.

જો ભાજપને ધારણા કરતા ઓછી બેઠક મળે તો… જે તે વિસ્તારના પ્રભારી નેતાને મુશ્કેલી આવી શકે,સંગઠનમાં મોટા પાયે બદલાવ આવે.જો ભાજપ ગુજરાતમાં છ બેઠકો ગુમાવે તો મંત્રીમંડળમાં મોટા ફેરફાર આવે અને અનેક મંત્રીઓનું પદ છીનવી લેવામાં આવે. ભાજપ વધુ બેઠકો ગુમાવે તો સરકારથી માંડીને પ્રદેશમાળખામાં પરિવર્તન આવી શકે અને મુખ્યમંત્રી ની ખુરશી જોખમમાં મુકાય.