Categories
Gujarat Vadodara

ગુજરાતમાં બની પ્રથમ ઘટના, વડોદરામાં એકસાથે 45 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ

ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે વડોદરામાં આશાનુ કિરણ દેખાયુ છે.કોરોના વાઈરસની મહામારી વચ્ચે વડોદરા શહેર અને ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે.ગુજરાતમાં પ્રથમવાર એક સાથે 45 દર્દીઓને રજા અપાતી હોય તેવી ઘટના વડોદરામાં બની છે. હોટસ્પોટ બનેલા નાગરવાડાના સહિત વડોદરાના 45 દર્દીઓને આજે એક સાથે રજા આપવામાં આવી છે. ગુજરાતમાં એક સાથે 45 દર્દીઓ સાજા થયા હોય તેવી આ પહેલી ઘટના છે.

આ તમામને આજવા રોડ ખાતેની ઇબ્રાહિમ બાવની આઈટીઆઈ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી આ તમામનો ટેસ્ટ દિવસમાં બે વખત નેગેટિવ આવી રહ્યો હતો. આથી તેમને હવે રજા આપવાનું નક્કી કરાયું હતું. બરોડા મુસ્લિમ ડૉક્ટર્સ એસોસીએશન દ્વારા આ તમામનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓ પ્લાઝમા ડોનર્સ પણ બનશે અને આગામી દિવસોમાં જો જરૂર પડશે તો તેઓ લોકોની પણ મદદ કરશે.તેમને સીટી ટ્રાન્સપોર્ટની બસ દ્વારા નાગરવાડા વિસ્તારમાં આવેલા તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા ત્યારે લોકોએ તેમનુ હર્ષનાદ, તાળીઓના ગડગડાટ અને ગુલાબના ફુલ વડે સ્વાગત કર્યુ હતુ

ઉલ્લેખનીય છે કે, નાગરવાડા રેડ ઝોનમાં છે. વડોદરામાં સૌથી વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ આ જ વિસ્તારમાંથી આવ્યા છે.માસ ટેસ્ટિંગ દરમિયાન આ 45 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને આજવા રોડ પર આઈટીઆઈમાં બનાવવામાં આવેલા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી.તેમના ફરી બે વખત ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બંને વખત નેગેટિવ ટેસ્ટ આપતા તેમને આજે ઘરે જવા માટે રજા અપાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના65 વર્ષના મહિલા દર્દીઝુબેદાબેન માંડવીયાનું કોરોના વાઈરસથી મોત થયુંછે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 11 ઉપર પહોંચી ગયો છે.વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજેવધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીકુલ પોઝિટિવની સંખ્યા 225 ઉપર પહોંચી ગઇ છે. આજે નોંધાયેલા કેસોમાં વડોદરાના હરણી-સમા, ફતેપુરા, નાગરવાડા, વાડી ગામ, રાવપુરા અને બહાર કોલોનીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાદરા તાલુકાના ચોકારી ગામમાં એક યુવાન અને પારૂલ યુનિવર્સિટી કેમ્પસના નર્સિગ સ્ટાફ ક્વાર્ટ્સમાં રહેતી એક યુવતીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.