ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા માગતા લોકો માટે રાહતના સમાચાર

ગુજરાતના મોટાભાગની RTO કચેરી પર વાહન ચાલકને કાચું અને પાકું લાઈસન્સ મેળવવા માટે RTO કચેરીની 15 દિવસ અથવા તો દોઢ મહિને અપોઈમેન્ટ મળે છે. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા RTOમાં લાઇસન્સ કઢાવવાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે કાચા લાઈસન્સની પ્રક્રિયા ઝડપી કરવા અને પાકા લાઈસન્સની કામગીરી ઝડપથી કરવાની સુચના વાહન વ્યવહાર કમિશનર દ્વારા આપવામાં આવી છે. સુચના અનુસાર પાકા લાઇસન્સની એપોઇન્ટમેન્ટના સમયમાં અને ડ્રાઈવિંગ ટેસ્ટમાં વાહનોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. કાચા લાઈસન્સ માટે દૈનિક સ્લોટ વધારવામાં આવશે અને વેઈટિંગ સમય સાત દિવસ કરતા ઓછો કરવામાં આવશે.

RTO કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટનો સમય સવારે 11થી 6 હતો તેને વધારીને સવારે 9થી સાંજે 6 વાગ્યાનો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શનિવારે પણ ડ્રાઈવિંગ ટેસ્ટ અને ટેસ્ટ ટ્રેક લેવાની પ્રક્રિયા ચાલુ રહેશે. પહેલા દરરોજ ફોર-વ્હીલના 175 ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવતા હતા તેને બદલે હવે 200 ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવશે. આ ઉપરાંત રોજ ટુ-વ્હીલમાં 245 જેટલા વાહનોની ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવતી હતી જ્યારે હવે રોજના 300 વાહનોની ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવશે.

આ ઉપરાંત સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરાની RTO કચેરીમાં ટુ-વ્હીલર માટે ઓછામાં ઓછાં 30 સ્લોટ રાખવામાં આવશે અને ફોર-વ્હીલર માટે 20 સ્લોટ રાખવામાં આવશે અને અન્ય શહેરોની RTO કચેરીના ફોર-વ્હીલર અને ટુ-વ્હીલરના 150 સ્લોટ રાખવામાં આવશે.