આ પટેલ યુવતી બની ‘૧૦૦૦૦’ પરિવાર નો સહારો

સમાજસેવાની વાત આવે એટલે મોટી-મોટી સંસ્થા અને મોટા મોટા હોર્ડિંગનો આભાસ થવા લાગે, પણ મૂળ મહેસાણાની અને આઈએએસ બનવાના સપના સાથે અમદાવાદ આવેલી મિત્તલ પટેલની સમાજસેવાની વાત જરા હટકે છે. VSSM(વિચરતા સમુદાય સંમર્થન સંઘ) નામની સંસ્થા તળે વિચરતી જાતિ માટે અનેક સેવાકીય પ્રવૃતિ કરતી મિત્તલ પટેલ સામે આજે ભલભલા ડફેરે પણ હથિયાર હેઠા મુકી સારી કામગીરીમાં જોતરાઈ ગયા છે. એટલુ જ નહીં સતત આમથી તેમ ભટકીને મિત્તલ પટેલે સંસ્થા દ્વારા વિચરતી જાતિના લોકોના બાળકો અને મહિલાઓને શિક્ષિત કરવાનું પણ બીડું ઝડપ્યું છે.

કોણ છે મિત્તલ પટેલ?

– મહેસાણા જિલ્લાના નાના એવા ગામમાં ખેડૂત પરિવારમાં મિત્તલનો જન્મ.

– ખેતી કરતા પિતા અને પશુપાલન કરતી માતાની પુત્રી મિત્તલે સાત ધોરણ સુધી ગામમાં અભ્યાસ કર્યો.

– સ્પોટ્સમાં સિલેક્શન થતા ભાવનગર આવેલી મિત્તલે સાયન્સમાં ધોરણ બાર સુધીનો અભ્યાસ કર્યો.

– આઈએએસ બની દેશના લોકોની સેવા કરવા ઉત્સુક મિત્તલે બીએસસી કર્યાં બાદ પત્રકારત્વનો અભ્યાસ કર્યો.

– આ દરમ્યાન દોઢ મહિનો શેરડી કામદારો સાથે કામ કરતી મિત્તલે ગરીબ પરિવારોની વ્યથા અનુભવી તેની માટે કામ કરવાનું નક્કી કર્યું.

– મિત્તલ વિચરતી જાતિ માટે કામ કરતી VSSM(વિચરતા સમુદાય સંમર્થન સંઘ)ની ફાઉન્ડર અને મેનેજિંગ ટ્રસ્ટી છે.

સેવાકીય કાર્યો તરફ વળી મિત્તલ પટેલ?

– અભ્યાસ બાદ સેવાકીય કાર્ય કરતી સંસ્થા સાથે જોડાયેલી મિત્તલે ગરીબ પરિવારોના પ્રશ્નો ઉજાગર કરવાનું શરૂ કર્યું.

– આઈએએસ બની લોકોની મદદ ન કરી શકાતી હોવાનું અનુભવી મિત્તલે પોતે જ કંઈક કરવાનું નક્કી કર્યું.

– ગુજરાતમાં વસવાટ કરતી 42 જેટલી વિચરતી જાતિના લોકોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા મિત્તલે કામ શરૂ કર્યું.

– એક ગામથી બીજે ગામ કામ અર્થે ફરતા લોકોને પોતાના હક્કો અપાવવા માટે મિત્તલ તેમની વચ્ચે જવા લાગી.

– શરૂઆતમાં થોડા સમય બાદ દેવીપૂજક, ડફેર, બજાણિયા જેવી 40 જાતિના લોકો મિત્તલ સામે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા લાગ્યા.

– ડફેર સહિતની વિચરતી જાતિના લોકોને સ્થાયી કામકાજ માટે સક્ષમ અને તેમના બાળકોને શિક્ષણ આપવા VSSM સંસ્થા સ્થાપી.

– VSSM સંસ્થા વિચરતી જાતિ માટે મકાનો, મેડિકલ, માનવ અધિકારી અને શિક્ષણનું કામ કરે છે.

– 55 લોકોની ટીમની VSSM સંસ્થા 1.50 લાખ જેટલા વિચરતી જાતિના લોકોની મદદ કરી ચૂકી છે.

– સંસ્થાએ વિચરતી જાતિના 1300 જેટલા પરિવારના વ્યવસાય માટે 1.75 કરોડની વગર વ્યાજની લોન અપાવી છે.

– VSSM સંસ્થા સરકાર અને વિચરતી જાતિ વચ્ચે સેતુ તરીકેનું કામ કરી તેમના પ્રશ્નોને ઉજાગર કરે છે.

દેહવ્યાપારમાંથી મહિલાઓને કાઢી બહાર

– અધિકારીઓ-પોલીસ પણ જેને નજરઅંદાજ કરે છે તેવા દેહવ્યાપારના ધંધા માટે જાણીતા વાડીયામાં પણ મિત્તલ પહોંચી છે.

– દેહવ્યાપાર માટે જાણીતા વાડિયા ગામમાં લોકોને સમજાવીને 90 જેટલા પરિવારની દિકરીઓને આ ધંધામાંથી બહાર કાઢી છે.

– જો કે મિત્તલે જણાવ્યું હતું કે, વાડિયામાં હજુ પણ દલાલોનું સામ્રાજ્ય છે, જેની સામે પોલીસે શક્તિથી વર્તવાની જરૂર છે.

– મિત્તલ પટેલની સંસ્થા આ પરિવારની દિકરીઓના લગ્ન પણ કરાવે છે. જેમાંથી કેટલીક દિકરીઓ શિક્ષણ પણ મેળવી રહી છે.

300 બાળકો હોસ્ટેલમાં રહી કરે છે અભ્યાસ

– 2011-12માં બાળકોના શિક્ષણ માટે શરૂ કરવામાં આવેલી હોસ્ટલ દ્વારા બાળકો શિક્ષણ મેળવે છે.

– વિચરતી જાતિના 300 જેટલા બાળકો મિત્તલ પટેલની સંસ્થાએ શરૂ કરેલી હોસ્ટલમાં અભ્યાસ કરે છે.

– જેમાં વાડિયાના દેહવ્યાપારના ધંધામાંથી બહાર આવેલી દિકરીઓ પણ અભ્યાસ કરે છે.

વિચરતી જાતિ પાસે નાગરિક હોવાનો નથી હોતો પૂરાવો

– વિચરતી જાતિના લોકોના પ્રશ્નો અંગે વાત કરતા મિત્તલે જણાવ્યું હતું કે, તેમની પાસે દેશના નાગરિક હોવાનો પૂરાવો જ હોતો નથી.

– રાશનકાર્ડ, આધારકાર્ડ, શાળા પ્રવેશપત્ર સહિતના પૂરાવા ન હોવાથી તેઓ પોતાનો હક્ક પણ માગી શકતા નથી.

– વ્યવસાય માટે સતત વિચરતા રહેતા હોવાથી તેમનો કોઈ ચોક્કસ વસવાટ હોતો નથી.

– એક ગામથી બીજા ગામ ભટકતી આ જાતિના બાળકો પણ અભ્યાસ માટે જઈ શકતા નથી.

– નાગરિક તરીકેનો પૂરાવો ન હોવાથી અધિકારીઓ પણ કંઈ કરી શકતા નથી.

– ગુજરાતમાં વસતી 42 જેટલી વિચરતી જાતિઓને હજુ પણ પોતાના હક્કો મળતા નથી.

મિત્તલ પટેલ જ્યારે પત્રકારત્વનો અભ્યાસ કરતા હતા ત્યારે તેના જ અનુસંધાનમાં તેમને આવા લોકોને મળવાનો અવસર મળ્યો હતો. તે સમયે તેમને જાણવા મળ્યું કે માત્ર ગુજરાતમાં જ સરકારી ચોપડે નટબજાણીયાઓની 28 જાતિઓ નોંધાયેલી છે અને બીજી 12 જાતિનું તો ક્યાંય સરકારી દસ્તાવેજોમાં

નામોનિશાન નથી. સતત વિચારણા કરતા રહેવાના કારણે તેમની પાસે વૈયક્તિક ઓળખ જ નહોતી. આ લોકો પાસે પોતાની ઓળખ માટે વોટરઆઈડી કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ કે પાસપોર્ટ જેવા કોઈ દસ્તાવેજો નહોતા કારણ કે તેઓ ગુજરાન ચલાવવા એક ગામથી બીજા ગામ ફરતા રહેતા હોય છે. તેઓ એવું કોઈ કામ નહોતા કરતા જે એક જગ્યાએ રહીને લાંબા સમય સુધી કરી શકાય. તે લોકો ક્યારેય સ્થિર જીવન જીવતા નહોતા તેથી સામાન્ય લોકોની જેમ તેમનું કોઈ સ્થાયી ઠેકાણું નહોતું.

પહેલાં મિત્તલને એમ થયું કે સરકાર અને નટબજાણીયાઓના ઉદ્ધાર માટે કામ કરતી સંસ્થાઓને તેમની સમસ્યાઓ વિશે જણાવવામાં આવે પણ જેમ જેમ મિત્તલ આ જાતિના લોકોની સમસ્યાઓને ઉંડાણથી સમજવા લાગી તેમ તેમ તેમને કથળેલી સ્થિતિનો અનુભવ થયો અને તેમણે જાતે જ નક્કી કર્યું કે હવે આ લોકોના ઉદ્ધાર માટે જાતે જ કંઈક કરશે. આ માટે તેમણે વિચરતા સમુદાય સમર્થન મંચની સ્થાપના કરી. આ સંસ્થા શરૂ કરતા પહેલાં તે 2007માં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને મળ્યા અને તેમને એ સમજાવવામાં સફળ રહ્યા કે આવા લોકો માટે વોટરઆઈડી કાર્ડ કેટલું મહત્વનું છે. ત્યારબાદ ચૂંટણી પંચ એવા લોકોના વોટર આઈડી કાર્ડ બનાવવા તૈયાર થયું જેના વિશે મિત્તલે તેમને માહિતી આપી હતી. આ રીતે તેમણે પહેલી વાર 20,000 લોકોના કાર્ડ બનાવ્યા જેઓ વિચરતી જાતિના હતા.

મિત્તલ પટેલના જણાવ્યા પ્રમાણે મોટાભાગના લોકોને એ જ નથી ખબર કે આવા લોકો સાથે કેવી રીતે કામ કરી શકાય. આ લોકો સાથે કામ કરીને મિત્તલને ખ્યાલ આવી ગયો કે આખું વર્ષે આ લોકો ભલે ફરતા રહે પણ ચોમાસા દરમિયાન યાત્રા નથી કરતા. તેઓ દર વર્ષે એવા ગામમાં રોકાય છે જ્યાં તેમને સૌથી વધારે પ્રેમ મળે છે. આ વાત તેમણે ચૂંટણી પચંને જણાવી અને કહ્યું કે ચોમાસા દરમિયાન આ લોકો જે ગામમાં રોકાય તેને તેમનું કાયમી સરનામું ગણાવીને વોટરઆઈડી કાર્ડ આપવું જોઈએ. તેવી જ રીતે આ ગામમાં લોકોને મળતી સુવિધાઓના પણ તેઓ હકદાર બની ગયા. આ રીતે તેમનું વોટરકાર્ડ તો બનવાનું શરૂ થયું જ પણ સાથે સાથે તેમને રેશનકાર્ડ અને અન્ય સરકારી સુવિધાઓ પણ મળવા લાગી. આજે મિત્તલ પટેલ 72 હજારથી વધારે લોકોના વોટરઆઈડી કાર્ડ બનાવવામાં સફળ રહ્યા છે. હાલમાં જ તેમણે એક કેમ્પ દ્વારા 500 નટબજાણીયાઓને વોટરઆઈડી કાર્ડ અપાવ્યા.

માત્ર ઓળખ કાર્ડ અપાવીને મિત્તલ પટેલે પોતાનું કામ પૂરું ન કરતા આ લોકોના વિકાસ માટે પણ કાર્ય આરંભ્યું. તેમણે પોતાની સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા આવી જગ્યાઓએ જઈને ટેન્ટ સ્કૂલ ચલાવી જ્યાં વિચરતી જાતિના લોકોની મોટાપાયે સંખ્યા હોય. આ જે તેમની સંસ્થા ગુજરાતના 13 સ્થળોએ ટેન્ટ સ્કૂલ ચલાવે છે. તેમના પ્રયાસોના કારણે જ નટબજાણીયાઓની 40 જાતિમાંથી 19 જાતિના લોકોના સંતાનો પ્રાથમિક શિક્ષણ લેવામાં સફળ થયા. આ સ્કૂલમાં પહેલા ધોરણથી માંડીને દસમા ધોરણ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે.

નટબજાણીયા લોકો એક જગ્યાએ નથી રહેતા તો તેમના સંતાનો કેવી રીતે એક જગ્યાએ રહી શકે. આ સવાલના જવાબમાં મિત્તલ પટેલે જણાવે છે, “અમે જોયું કે તેઓ પોતાના સંતાનોને અભ્યાસ કરાવવા માગે છે પણ રોજીરોટી માટે અંતરિયાળ વિસ્તારોમાં જતા હોવાથી બાળકોને પણ સાથે લઈ જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા અમે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને રાજનપુર જેવા વિસ્તારમાં 4 હોસ્ટેલની સ્થાપના કરી. ત્યાં આજે 700 બાળકો અભ્યાસ કરે છે. આ બાળકોના માતા-પિતા ભલે કામ કરવા ગમે ત્યાં જાય પણ તેઓ અહીંયા રહીને અભ્યાસ કરે છે.” મિત્તલ અને તેમની ટીમે જોયું કે કેટલીક જાતિના લોકો જે કામ પેઢીઓથી કરતા આવ્યા છે તે હવે લુપ્ત થઈ રહી છે. તેના લીધે તેમના રોજગાર પર સંકટ આવી ગયું અને તેમણે ભીખ માગવાની શરૂઆત કરવી પડી. આ બાબતને ધ્યાનમાં રાખીને તેવા લોકોને વ્યાવસાયિક તાલિમ અપવવાનું શરૂ કરાવ્યું. આ લોકોની મહેનતનું જ પરિણામ છે કે અત્યાર સુધીમાં 300 લોકોએ વ્યાવસાયિક તાલિમ લીધી છે.

એક અનુમાન પ્રમાણે માત્ર ગુજરાતમાં જ આ જાતિના લોકોની 60 લાખથી વધુ વસ્તી છે. આવા સંજોગોમાં તેમના માટે પાકા ઘરની વ્યવસ્થા કરવી પણ મોટો પડકાર છે, પણ મિત્તલ પટેલ અને તેમની ટીમ આ લોકોને પોતાના પાકા ઘર બનાવવા માટે ટેક્નિકલ મદદ આપવાની સાથે સાથે આર્થિક રીતે પણ મદદ કરે છે. જે વણઝારા સમુદાયના લોકોને સરકાર તરફથી જમીન આપવામાં આવે છે તેમને મકાન બનાવવા માટે તેઓ આર્થિક મદદ કરે છે અને તે ઉપરાંત જરૂર પડે તો બેંકમાંથી લોન અપાવવાની પણ વ્યવસ્થા કરે છે. આ લોકોની મહેનતના પરિણામે જ અત્યાર સુધી 265 પાકા મકાનો બની ગયા છે અને 300 મકાનો બનવાનું કામ ચાલુ છે. આજે મિત્તલ પટેલ અને તેમની સંસ્થા ગુજરાતના 9 જિલ્લામાં વણઝારા સમુદાયના લોકોના વિકાસ માટે કામ કરી રહી છે.